માસિક ચક્ર શ્રેણી – ભાગ – 1 જીવવિજ્ઞાન 

માસિક ચક્ર એટલે સ્ત્રી પ્રજનન પ્રણાલીમાં થતા તમામ ‘ચક્રીય જૈવિક ફેરફારો’. અંડાશય, ગર્ભાશય, સર્વિક્સ અને યોનિ જેવા સ્ત્રી પ્રજનનઅંગો ધરાવતા લોકોમાં માસિક ચક્ર કુદરતી છે. અંડાશય દર મહિને, પ્રજનન એકમો તરીકે વિશેષ કોષો ઉત્પન્ન કરે છે જેને ઇંડા અથવા ઓવા કહેવાય છે. જાતીય સંભોગ દરમિયાન સ્ત્રી પ્રજનન માર્ગમાં પ્રવેશતા શુક્રાણુઓ સાથે આ ઇંડા ભળી શકે છે.

જો ઇંડા અને શુક્રાણુ જોડાઇને ગર્ભ બને ત્યારે ગર્ભાશયની દિવાલને વળગી રહેશે અને ધીમે ધીમે ગર્ભાવસ્થા દરમિયાન વૃદ્ધિ પામી, એક વ્યક્તિ તરીકે જન્મશે. તેથી જ, દર મહિને, ઇંડા-શુક્રાણુ ભળવાની અપેક્ષાએ, ગર્ભાશય પોતાને એક યોગ્ય સ્થળ બનવા માટે તૈયાર કરે છે જ્યાં ગર્ભ આગામી નવ મહિના સુધી નવા મનુષ્ય તરીકે વિકાસ કરી શકે. ગર્ભાશયની દીવાલ જાડી અને રક્તવાહિનીઓથી ભરેલી બને છે જેથી ગર્ભ તેની સાથે જોડાઈ શકે અને જીવિત રહેવા અને વધવા માટે પોષણ મેળવે. જ્યારે ઇંડા-શુક્રાણુનુ મિલન  થતું નથી, ત્યારે શરીર માસિક લોહીના રૂપમાં ગર્ભાશયની દિવાલ પરના જાડાપણાથી છુટકારો મેળવે છે.

આમ, માસિક લોહીમાં સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં લોહી, થોડા લોહીના ગાંઠા, ગર્ભાશયની દિવાલમાંથી નીકળતી પેશીઓ અને યોનિ અને સર્વિક્સના કોષોમાંથી થતા સ્ત્રાવ કે જેમાં પાણી, આયનો, મ્યુકસ અને બેક્ટેરિયા હોય છે. સ્વસ્થ યોનિમાર્ગમાં પણ માસિક લોહીની ગંધ એ લોખંડ, તાબાં જેવા ધાતુના આયનો અને બેક્ટેરિયાની હાજરીને આભારી છે.